વાંકાનેરના રામપરા અભયારણ્યના ઇકો સેન્સેટીવ ઝોનમાં પવનચક્કીઓ: પર્યાવરણને નુકશાન

11
120
/

વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેર પર કુદરત મહેરબાન હોય સમગ્ર પંથક ડુંગરોની હરિયાળીથી દીપી ઊઠે છે. વાંકાનેરના રાજવીઓ પણ પર્યાવરણને લઈ અતિ જાગૃત હતા. આજથી અંદાજે ૩૫૦ વર્ષ પહેલાં પણ વાંકાનેરના રાજવીએ રામપરા વીળીને વન્ય જીવો માટે રિઝર્વ રાખેલ. વાંકાનેરને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વાંકાનેરના રાજવી ડો. દિગ્વિજયસિંહજી ઝાલા દ્વારા ભારત સરકારને પર્યાવરણ બાબતે જાગૃત કરી ભારત સરકારમાં અલગ પર્યાવરણ મંત્રાલય બનાવેલ અને ભારત સરકારના પહેલા પર્યાવરણ મંત્રી પદે ડો. દિગ્વિજયસિંહે પદભાર સંભાળેલ. વાંકાનેરમાં રાજાશાહીના વખતમાં સિંહ, ચિત્તા, દીપડા, હરણ જેવા અનેક જંગલી પશુઓ વાંકાનેરના જંગલોમાં અને વિડી વિસ્તારમાં રહેતાં અને રાજવીઓ પ્રજાની સાથોસાથ આ જંગલી પશુઓ અને જંગલની સુરક્ષા કરતાં. આજે લોકશાહીમાં જંગલોનો વિકાસ તો ન થયો પરંતુ જે જંગલો અને વિડી વિસ્તાર સરકારને સોંપવામાં આવ્યા ત્યાં આજે આ જંગલી જાનવરો ક્યાંય જોવા મળતાં નથી તેમ છતાં વાંકાનેરમાં આજે પણ શિડયુલ-વન ના દિપડા, હરણ, ઝરખ, અજગર, સાતનાર, શિયાળ તેમજ અન્ય પ્રાણીઓ અને સરીસૃપ તેમજ અનમોલ પક્ષીઓનો વસવાટ છે. વાંકાનેરમાં રક્ષિત જંગલ ઉપરાંત આ જંગલી પ્રાણીઓના રહેઠાણ માટે ડુંગરાળ વિસ્તાર સુરક્ષિત છે અને તેના રહેઠાણના પુરાવાઓ પણ મળી આવે છે અને આ ડુંગરાળ જગ્યા આવા પ્રાણીઓના અવરજવર માટેના રસ્તા (માયગ્રેટીંગ રૂટ) પર જંગલખાતા દ્વારા પાણી માટેના તળાવો તેમજ કંટુર બનાવેલ છે. રામપરા અભ્યારણ્યમાં ગીરના સાવજ સિંહ માટે ખાસ તકેદારી રૂપે નિવાસ સ્થાન ગોઠવવામાં આવ્યા છે અને સિંહને પણ અહીંનું વાતાવરણ માફક આવી જતાં સિંહની વસ્તીમાં પણ ઉતરોતર વધારો થયો છે.

વાંકાનેરના આવા સુંદર નયનરમ્ય ડુંગરો પર વિન્ડફાર્મ કંપનીઓની વેપારી નજર પડી અને સરકારી અધિકારીઓના મેળાપણાથી જ્યાં જંગલોનું વિસ્તરણ થવું જોઈએ ત્યાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત પવન ચક્કીઓનો રાફડો ફાટયો છે. વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા અભ્યારણ વિસ્તારની બાજુમાં આવેલ ઇકો સેન્સેટીવ ઝોનમાં સરકારશ્રીના ખરાબાવાળા ડુંગરાળ જગ્યા પર જમીનની માંગણી કરવામાં આવી અને જંગલી પ્રાણીઓ કે જંગલની દરકાર કર્યા વગર તે જમીનો તેમને મળી ગઈ. જેમાં વિન્ડફાર્મ કંપની દ્વારા પવનચક્કીઓ ઊભી કરી તેમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થતાં તેને વહન કરવા માટે વીજપોલો ઉભા થઇ ગયા. આ વીજ લાઈન માટેના લોખંડના પોલ ગ્રામ પંચાયતના ખરાબામાં, વોંકળામાં, તળાવમાં તેમજ ગૌચરમાં ઉભા કરી અને સરકારશ્રીના ઠરાવો અને શરતોનો ભંગ કરે છે. રક્ષિત જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં વિચરતા વન્ય પ્રાણીઓના સ્થળાંતરના માર્ગ (માયગ્રેટીંગ રૂટ) પર કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા તેમજ વીજ પોલ ઉભા કરેલ છે જેના કારણે જંગલ વિસ્તાર અને તેની બાજુમાં ઈકો સેન્સેટીવ ઝોનમાં વન્ય પશુઓને અડચણ તેમજ તેમના માર્ગમાં અંતરાયો ઉભા થયેલ છે જે વન્યપ્રાણીઓ માટે ખતરારૂપ છે અને રસ્તાઓ બનાવવા માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખેલ છે જેમાં પક્ષીઓના રહેઠાણનો પણ નાશ થયો છે.

પવનચક્કીઓના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે, પક્ષીઓ મરી રહ્યા છે, ભૂતળના પાણી રસ્તો બદલી રહ્યા છે, પવન ચક્કીઓ નાખતા પહેલાં એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ થતો ન હોવાને કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે, પવનચક્કી ઊભી કરવા માટે ડુંગરોને સમથળ કરવામાં આવે છે, પવનચક્કીઓની ધ્રુજારી આપણને અનુભવાતી નથી પરંતુ તેના તરંગો બહુ દૂર સુધી જાય છે જેના કારણે પશુઓમાં ધરતીકંપ વખતે અનુભવે તેવી અનુભુતી થતી હોવાથી પશુઓને સાઈડ ઈફેક્ટ થાય છે અને પશુઓ તે તરફ જતાં નથી માટે ગૌચરો નકામાં બને છે. પવનચક્કી ઊભી કરવા માટે સરકાર દ્વારા તેમને એક હેક્ટર જમીન મળે છે પરંતુ પવનચક્કી ઊભી કરવા માટે આજુબાજુમાં પાંચથી છ હેક્ટર ડુંગરાળ જમીન સમથળ કરે છે અને વીજપોલ માટે હજારો હેકટર જમીનનો ઉપયોગ કરે છે. આ કોન્ટ્રાક્ટરો જમીન પોતાની જાગીર છે તેમ સમજી કાર્ય કરે છે.

વાંકાનેરની ડુંગરાળ જમીનો, વન્યજીવોનો વસવાટ અને તેની ઉપયોગિતા શું છે એ જોયા જાણ્યા વગર 10% ના ફાયદા માટે 90% ટકા વન્યજીવોનું અને પર્યાવરણનું નુક્શાન કરેલ છે. પવન ચક્કીઓની સતત ધ્રુજારીના કારણે ભુગર્ભના પાણીનો રસ્તો બદલાતો જાય છે. વાંકાનેર એ પશુપાલન ક્ષેત્રે મોરબી અને રાજકોટ જિલ્લામાં પ્રથમ નંબરે છે અને એનું કારણ પણ આ ડુંગરાળ વિસ્તાર જ છે સૌથી વધુ દૂધ ઉત્પાદન વાંકાનેરમાં થઈ રહ્યું છે આ પવનચક્કીઓના હિસાબે જંગલ તો નામશેષ થશે પરંતુ દુધાળા પશુઓ પર પણ ગંભીર અસરોની શક્યતાઓ સેવાઈ રહી છે.

વાંકાનેરના રામપરા અભયારણ્યમાં એશિયાના સુપ્રસિદ્ધ સિંહનો વસવાટ કરવામાં આવ્યો છે અને તેનું બિડીંગ સેન્ટર છે આ વિસ્તારમાં પવન ચક્કીના હિસાબે સિંહોને કેટલું નુકસાન પહોંચશે એ તો આવનાર સમય જ બતાવશે પરંતુ હાલ પર્યાવરણ પ્રેમીઓએ આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઇએ અને વાંકાનેરનું જંગલ વિસ્તાર બચાવવા આગળ આવવાનો સમય થયો છે અને આ બેફામ બની બેઠેલા કોન્ટ્રાક્ટરોને કાબુ કરી અબોલ જંગલી પ્રાણીઓનો અવાજ બનવું જરૂરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.