મોરબીના ખખડધજ રસ્તાની સમસ્યા અંગે તંત્રને ઢંઢોળવા નવતર વિરોધ
મોરબી : પ્રથમ વરસાદને પગલે મોરબીના તમામ માર્ગોની એટલી હદે બદતર હાલત થઈ ગઈ છે કે, રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ તમામ રસ્તાની હાલત સુધારવા માટે તંત્ર નક્કર કાર્યવાહી કરે તે માટે જાગૃત નાગરિકોએ અનોખું અભિયાન હાથ ધર્યું છે અને જાગૃત નગરિકો ખરાબ રોડ મામલે તંત્રને ઢંઢોળવા માટે પોતાની ગાડીઓમાં “મોરબીમાં ખાડા કે ખાડામાં આખું મોરબી”, “મોરબીના આ રસ્તા મંજૂર નથી” ના સ્ટીકરો લગાવી રહ્યા છે.
મોરબીમાં અગાઉથી ખખડધજ રહેલા મોટાભાગના રોડ રસ્તાની પ્રથમ વરસાદમાં પથારી ફરી ગઈ છે. તંત્રના પાપે મોટાભાગના માર્ગો પર એટલી હદે ખાડા ખબડા પડ્યા છે, કે સારો માર્ગ દીવો લઈને શોધવા જવું પડે તેવી કપરી હાલત છે અને તંત્રની ઘીર બેદરકારીના પાપે લોકો ખાડા ખબડા વાળા માર્ગો ઉપર અથડાવા મજબુર બન્યા છે. આમ છતાં તંત્ર માત્ર તમાશો જોતું હોય અને રોડ બાબતે નક્કર કાર્યવાહી ન કરતા સોશ્યલ મીડિયામાં જાગૃત નાગરિકોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને તંત્રની શાન ઠેકાણે લાવવા માટે જાગૃત નાગરિકોએ અનોખું કમપેઇન હાથ ધર્યું છે. જેમાં લોકો પોતાની ગાડીઓમાં મોરબી શહેરના રોડ રસ્તાની દુર્દશા અંગે સ્ટીકરો લગાવી રહ્યા છે. મોરબીમાં સારા રસ્તા ન હોવા મામલે તંત્ર સામે લોકોમાં રહેલો આક્રોશ હવે ખૂલીને સામે આવી રહ્યો છે અને લોકોની ધીરજ એટલી હદે ખૂટી ગઈ છે કે ,આવનારા દિવસોમાં સ્વંયભુ જન આંદોલન થાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે તેથી તંત્ર અને જવાબદાર પદાધિકારીઓએ સાનમાં સમજી જવું યોગ્ય બની રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide