મોરબી અને ટંકારામાં વરસાદી માવઠાના લીધે મગફળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાની

0
32
/
તોફાની વરસાદથી ખેડુતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પાણીમા ગરકાવ, કપાસ તેમજ પશુચારાનો પણ સોથ વળી ગયો

મોરબી, ટંકારા : તાજેતરમા મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 18ના રોજ સાંજના સુમારે પવન અને વીજળીની ગાજવીજ સાથે તોફાની વરસાદે કહેર મચાવ્યો હતો. રોડ-રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા. આમ તો હવે વરસાદની સીઝન પૂરી થઇ છે. પરંતુ કમોસમી વરસાદના લીધે મોરબી, ટંકારા અને માળીયા (મી.) પંથકમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પહેલા ચોમાસામાં પણ ભારે વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરીથી પાકને નુકસાની થતા ખેડૂતોની ‘પડ્યા પર પાટુ’ જેવી હાલત થઇ છે. મોરબી અને માળીયા (મી.) તાલુકાના અનેક ગામોમાં મગફળી અને કપાસનો પાક તૈયાર હતો. પરંતુ અચાનક વરસાદ તૂટી પડતા મગફળી અને કપાસનો પાક તેમજ પશુચારામાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. અને મોટાભાગનો પાક નાશ પામ્યો છે.

ટંકારા પંથકના લજાઈ, હડમતિયા, સજ્જનપર, નાના-મોટા ખીજડીયા, ધ્રુવનગર, રામપર, નશિતપર, ઘુનડા, વાધગઢ, ગજડી, ઉમીયાનગર, કલ્યાણપર, જોધપર ઝાલા, જબલપુર, લખધીરગઢ, વિરપર, હરબટીયાળી, સાવડી-સરાયા, મિતાણા, નેકનામ, વિરવાવ, હમીરપર, જીવાપર સહિતના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે ખેડુતોના મોંઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો હોય તેવા અહેવાલ મળી રહ્યા છે.

મગફળીના પાથરા રીતસરના પાણીમા ગરકાવ થતા દ્રશ્યમાન થયા હતા. તેમજ કપાસનો વ્યાપક પ્રમાણમાં પાક આવેલ પણ વરસાદની સાથે જંજાવતી પવનથી બધું ભો ભીંતર કરી નાખ્યું હતું. રવિવારે બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા સાથે તુટી પડેલ વરસાદના લીધે ‘જગતનો તાત’ પાકની ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. હવે રાજ્ય સરકાર પાક નુકસાની માટે શું કાર્યવાહી કરે છે, તે સમય જ બતાવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/