વિવાદ ટાળવા કોંગ્રેસે મુંગા મોઢે ઉમેદવાર જાહેર કર્યા વિના બધી બેઠકો ઉપર ફોર્મ પણ ભર્યા
ટંકારા : હાલ મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા ગઈકાલે ટિકિટ ફાળવણી કરાયા બાદ ટંકારા તાલુકામાં અસંતોષનો જવાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ટંકારા તાલુકા પંચાયતની બે બેઠકો અને ઓટાળા બેઠક ઉપર ભાજપના બળુકા હોદેદારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ વિવાદ ટાળવા કોંગ્રેસે મુંગા મોઢે ઉમેદવાર જાહેર કર્યા વિના જ જે તે ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના આપતા આજે ટંકારા તાલુકાની બધી બેઠકો ઉપર વગર મેન્ડેટ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ટંકારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ટિકિટ માંગનાર અનેક સક્રિય આગેવાનોની બાદબાકી થતા ભાજપમાં બગવતના ખેલ શરૂ થયા છે જે અન્વયે ટંકારા બેઠક નંબર 1 અનેમાં ભાજપમાંથી ટિકિટ માંગનાર ભાવિન સેજપાલને ટિકિટ ન મળતા આજે તેમના પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તો બીજી તરફ ટંકારા -2 બેઠકમાં પણ ટિકિટ માંગનાર ઈરફાન ડાડા અને મિતેષ મહેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાઈ ભાજપ નેતાગીરી સામે પડકાર ફેંક્યો છે.
દરમિયાન ટંકારા તાલુકાની ઓટાળા બેઠક ઉપર જીલ્લા ભાજપના યુવા મંત્રી અને બળુકાનેતા બેચરભાઈ ઘોડાસરા ભાજપથી નારાજ થયા છે અને આખા ગામની ઉપસ્થિતમા તેમના માતુશ્રી અમૃતાબેન મગનલાલ ઘોડાસરાનું આજે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન ભરી નારાજગી વ્યક્ત કરી હતી.
બીજી તરફ ટંકારા ભાજપના મોટાગજાના નેતા ગણાતા પ્રવિણ લોહ પણ ઉમેદવારોની પસંદગી ને લઈ ભારોભાર નારાજ છે અને આજે સાંજ સુધીમાં નવાજૂનીનાં મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જો ભાજપ અગ્રણી પ્રવીણ લોહ ભાજપને રામ-રામ કરશે તો ટંકારા જિલ્લા પંચાયતની બેઠકોની સાથે સાથે ટંકારા તાલુકાની તમામ 16 બેઠક ઉપર ભાજપને માઠી અસર પડી શકે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકામાં ભાજપની જેમ જ કોંગ્રેસમાં પણ ઉમેદવાર પસંદગીને લઈ કકળાટ સર્જાઈ શકે તેમ જણાતા કોંગ્રેસે ગુપચુપ સંબંધિત ઉમેદવારોને સૂચના આપતા આજે મૂંગા મોઢે ભાવિ ઉમેદવારોએ વગર મેન્ડેટ ઉમેદવારી નોંધાવી દીધી હોવાનું જાણવા પણ મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide