હાલ દવા છંટકાવ અને ખાતર નાંખવાનું ખેડૂતો બે દિવસ પાછું ઠેલે : જિલ્લા ખેતીવાડી અધિકારી

0
58
/

મોરબી જિલ્લામાં જો હવે કમોસમી વરસાદ પડશે તો નુકશાનીની પણ સંભાવના

મોરબી : હાલ હવામાન ખાતાની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હાલ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં માવઠું વરસી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં અમુક વિસ્તારોમાં પણ હળવા અને છુટા છવાયા છાંટા પડ્યા છે. ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે જો હવે કમૌસમી વરસાદ પડ્યો તો મોટી નુક્શાનીની ભીતિ છે.

છેલ્લા બે દિવસથી સતત સૌરાષ્ટ્રમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે માવઠું પડી રહ્યું છે. શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે ત્યારે હાલ વરસી રહેલા છુટા છવાયા માવઠાની પ્રતિકૂળ અસરો વિશે મોરબી અપડેટે વિવિધ વિસ્તારોમાંથી માહિતી એકત્રિત કરી હતી.

સુલતાનપુરના હાલ સરપંચ અને ખેડૂત ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળી, જીરું, ચણા, વરિયાળી અને ઘઉં સહિતના પાકોનું વાવેતર થયું છે. જો કે બે દિવસથી છુટ્ટા છવાયા હળવા છાંટાને લઈને અત્યાર સુધી તો ઉભા પાકમાં કોઈ નોંધનીય નુક્શાનીના અહેવાલો નથી.

માળીયા તાલુકાના માણાબા ગામના ખેડૂત રાજુભાઇ પ્રજાપતિએ જુરું, ઘઉં અને ઇસબગુલના વાવેતરને લઈને જણાવ્યું હતું કે, અત્યાર સુધી પડેલા છાંટાથી ઉભા પાકમાં કોઈ નુકશાન થયું નથી પણ જો હવે વધુ ઝાપટા વરસે તો ખેડૂતોની ચિંતા કરાવશે એવી ભીતિ વ્યક્ત કરી હતી.

ખેવરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સરપંચ, તેમજ મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પ્રફુલભાઈ હોથીએ માવઠા અંગે વિગતો આપતા મોરબી અપડેટને જણાવ્યું હતું કે, જીરું, કપાસ, ઘઉં, ડુંગળી સહિતના પાકોને નુકશાન થાય એવું હજી બન્યું નથી. છુટા છવાયા છાંટા પડ્યા છે. અલબત્ત હવે આગામી બે દિવસમાં વાદળો વીંખાય એ જરૂરી બન્યું છે. બે’ક દિવસ દરમ્યાન હવે જો વધુ છાંટા પડશે તો અમુક પાકમાં રોગ આવી જવાની શક્યતા રહેશે એવી આશંકા વ્યક્ત કરેલ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/