મોરબીના વિરમગામ નજીક માતાના અગ્નિસંસ્કાર માટે સુરતથી મોરબી આવી રહેલા દંપતીની કારને રસ્તામાં નડ્યો અકસ્માત

0
263
/

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર મોરબીના દંપતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા મૃતક માતાના અંતિમ દર્શનથી પણ વંચિત : અરેરાટી

મોરબી : જીવનમા ઘણા એવા બનાવો બનતા હોય છે જે જાણીને એવું લાગે કે કુદરત પણ હતભાગી સાથે આટલો ક્રૂર થઈ શકે છે? મોરબીના બગથળાના રહેવાસી આવા જ એક હૃદયદ્રાવક બનાવના આજે સાક્ષી બન્યા હતા.

બગથળામાં રહેતા અભિનાબેન રામજીભાઈ મેરજાનું હાર્ટએટેક આવતા નિધન થયું હતું. આ દરમ્યાન તેમના પુત્ર ઉમેશભાઈ અને તેમના પત્નિ કુસુમબેન સુરત ગયા હોય તેમને જાણ કરવામાં આવી હતી. માતાના અવસાનથી આઘાત પામેલા ઉમેશભાઈ અને તેમના પત્નિ કુસુમબેન તરત જ સુરતથી કારમાં પરત આવવા માટે નીકળી ગયા હતા. અંતિમક્રિયા માટે મોટા પુત્રની અને પુત્રવધુની રાહ જોઈ રહેલા પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એક આઘાત બાદ બીજા આઘાતજનક સમાચાર મળવાના છે.

સુરતથી બગથળા ગામે GJ 36- L- 0125 નંબરની કારમાં પરત ફરી રહેલા દંપતીનો ધ્રાંગધ્રા-વિરમગામ હાઇવે પર રવિવારે બપોરે એક ડબલ સવારી એક્ટિવા સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મોરબીના દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી પ્રાથમિક વિગતો અનુસાર કારનું ટાયર ફાટતા આ અકસ્માત થયેલ હતો.

મૃતક માતાના અંતિમ સંસ્કાર માટે મોટા પુત્ર અને પુત્રવધુની રાહ જોઈ રહેલા પરિવારને બગથળા ગામે આ અકસ્માતની જાણ થતાં પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. ઇજાગ્રસ્ત કુસુમબેનને પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે તેમના પતિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા માતાની અંતિમયાત્રામાં પહોંચી શકાય એવી સ્થિતિ ન રહેતા આખરે ભારે હૃદયે મૃતકના નાના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો હતો. માતાના અંતિમ દર્શન માટે સુરતથી પરત ફરી રહેલા પુત્ર અને પુત્રવધુને માતાના અંતિમ દર્શન ન કરી શક્યાનો વસવસો જીવનભર રહેશે. ગ્રામજનો પણ આ બનાવને લઈને ભારે વ્યથિત થયા હતા. જો કે કુદરતની લીલા આગળ કાળા માથાના માનવીની કશી વિસાત નથી એ ફરી એકવાર આ બનાવથી સાબિત થયેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/