મોરબી : 10ના ચલણી સિક્કા અને 5 રૂપિયાની નોટ ન લેવામાં આવતી હોવાની લોકફરિયાદ

0
113
/

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી રજુઆત

મોરબી : હાલ મોરબી જિલ્લા તેમજ શહેરમાં નાણાકીય લેવડદેવડ માટે દસ રૂપિયાના દરના ચલણી સિક્કા તથા 5 રૂપિયાના દરની ચલણી નોટો સ્વીકારવાની અમુક વેપારીઓ તથા લાઈટબીલની ચુકવણી કરવા જતાં ગ્રાહકો પાસેથી લેવાની ના કહેવાતી હોવાથી લોકોમાં ભ્રમ ફેલાવવા સાથે કચવાટની લાગણી જન્મી છે. આ અંગે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને જાણ થતાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા ચલણમાં મુકવામાં આવેલા રૂપિયા 10ના ચલણી સિક્કા તથા 5 રૂપિયાના દરની ચલણી નોટ સ્વીકારવાની ઘણી જગ્યાઓ પર ના કહેવામાં આવે છે. આથી ગ્રાહકો અને ધંધાર્થીઓ વચ્ચે તકરારના બનાવો બને છે. લાઈટબીલ ભરવા જતા ગ્રાહકોને પણ ઉક્ત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યની તથા ગંભીર વાત તો એ છે કે બેંક સ્વયં આવા સિક્કા, પરચુરણ સ્વીકારવાની ના કહે છે. ત્યારે સામાન્ય નાગરિકના મનમાં અસમંજસની સ્થિતિ ઉભી થાય છે કે નાના ચલણનું પરચુરણ, 5 રૂપિયાના દરની નોટ કે 10 રૂપિયાના દરના સિક્કા ચલણમાંથી રદ થઈ ગયા કે શું?

ઉક્ત ચલણ ન સ્વીકારાતું હોવાની ફરિયાદો મળતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચકક્ષાએ આ બાબતે રજુઆત કરી લાગતા વળગતા લોકો સામે ફરિયાદનો સુર ઉઠાવ્યો છે. અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા અર્થતંત્રમાં મુકવામાં આવેલા કોઈપણ ચલણને નાણાકીય વ્યવહારમાં સ્વીકારવું એ દરેક ભારતીયોની ફરજ બને છે. ચલણ ન સ્વીકારીને જે તે ધંધાર્થી, વ્યક્તિ કે સંસ્થા જાણે અજાણ્યે ગુન્હો આચરી રહી છે. આથી જો કોઈ વ્યક્તિ, સંસ્થા કે ધંધાર્થી અર્થવ્યવસ્થામાં રહેલું ચલણ સ્વીકારવાની મનાઈ કરે તો તેઓ પાસેથી ચલણ નથી સ્વીકાર્યું તેવી લેખિત માંગણી કોઈપણ નાગરિક કરી શકે છે. આના આધારે જે તે વ્યક્તિ કે સંસ્થા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરી શકાય છે તેમ રજુઆતના અંતમાં ગ્રાહક સુરક્ષા મંડળે જાહેર જનતાને પણ જણાવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/