હાય રે કળિયુગ : પુત્રએ ખોટા સોગંદનામાના આધારે માતાની કરોડોની જમીન પચાવી પાડી

0
183
/
હળવદના રાણેકપર ગામે માતા ઓસ્ટ્રેલિયા ગયા બાદ પુત્રએ નોટરીની મદદથી આચર્યું જમીન કૌભાંડ

હળવદ : તાજેતરમા હળવદના રાણેકપર ગામે પુત્રએ સગી જનેતા સાથે વિશ્વાસઘાત કરીને માતાના નામે રહેલી કોરોડોની કિંમતની જમીન ખોટા સોગંદનામાના આધારે પોતાના નામે કરીને પચાવી પાડી હતી. જેમાં માતા ઓસ્ટ્રેલિયા ગયા બાદ પાછળથી પુત્રએ પોત પ્રકાશયું હતું અને નોટરીની મદદથી માતાના નામે રહેલી જમીન પોતાના નામે કરીને જમીન કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. આ બનાવમાં માતાએ એના પુત્ર અને નોટરી સામે ફરિયાદ નોંધાવી છે.

આ જમીન કૌભાંડની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા જયશ્રીબેન જયંતિભાઈ પટેલ નામના મહિલાએ તેમના પુત્ર ધવલ જયંતિભાઈ પટેલ અને નોટરી એન. સી. ગઢિયા સામે હળવદ પોલીસ મથકમાં જમીન પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તા.10/8/2019 થી તા.11/11/2019 દરમ્યાન ભારતથી ઓસ્ટ્રેલિયા ગયા હતા. દરમિયાન તેમના નામે હળવદના રાણેકપર ગામે જે કરોડોની કિંમતની જમીન આવેલી છે.

એ જમીન પોતાના નામે કરી લેવા માટે ગત તા. 1/10/2019 ના રોજ તેના પુત્ર ધવલ જયંતીભાઈ પટેલે હળવદના નોટરીની મદદથી ખોટું સોગંદનામું બનાવ્યું હતું. જેમાં પુત્રએ મારી માતાએ તેમના નામે રહેલી જમીન મને આપી છે તેવું ખોટું સોગંદનામું બનાવીને માતાના નામે રહેલી જમીન પોતાના નામે કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ માતાને આ બનાવની જાણ થતાં તેણે પુત્ર અને નોટરી બન્ને સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/