કૌન બનેગા સરપંચ? મોરબી કાલે જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી

0
113
/
2 હજારથી પણ વધુનો પોલિંગ સહિતનો સ્ટાફ મતદાન મથકોએ રવાના

મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રવિવારે 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીનો સમય જ બાકી હોય અંતિમ ઘડીમાં પ્રચાર પડઘમ શાંત થતા હવે ડોર ટું ડોર અને ગ્રુપ મીટીંગનો દૌર ચાલી રહ્યો છે અને જાત જાતના સોંગઠાબાજી કરીને મતદારોને મનાવવા માટે સરપંચ અને સભ્યો બનવા માંગતા નેતાઓ છેલ્લી ઘડીએ પણ ભારે ઘમપછાડા કરી રહ્યા છે.બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા માટે સમગ્ર પ્રશાસન સજ્જ બની ગયું છે. અને મતદાન પ્રક્રિયાની તૈયારીને આખરી ઓપ આપી રહ્યો છે ત્યારે આવતીકાલે કોના શિરે સરપંચનો તાજ ચડશે તે મતદાન બાદ નક્કી થઈ જશે.

મોરબી જિલ્લાની અગાઉ 303 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ ગામના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ ગામના આગેવાનોના સાર્થક પ્રયાસથી 303 માંથી 71 ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. આથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનતા હવે આ રવિવારે મોરબી જિલ્લાની કુલ 197 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.જ્યારે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદની કુલ 195 બેઠક સામે 504 ઉમેદવારો સરપંચ બનવા માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમજ વોર્ડના સભ્યની કુલ 1048 બેઠક સામે 2210 ઉમેદવારો મેદાનમાં છે.આ ઉમેદવારો અને તેમના સમર્થકો છેલ્લા ઘણા દિવસોથી ગ્રામનું વિકાસ મોડેલ દર્શાવીને ગામલોકોને રીઝવવાની રાત દિવસ મથામણ કરી રહ્યા છે.સરપંચની તમામ સીટ માટે સ્ત્રી પુરુષ મળી કુલ 3,49,237 અને સભ્યો માટે કુલ 2,36,620 મતદારો મતદાન કરવા ઉત્સુક છે. જ્યારે કુલ 405 મતદાન બુથમાંથી 100 મતદાન બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. હવે નિયમ મુજબ પ્રચારના ભૂંગળા બંધ થતાં બંધ બારણે તોડજોડની નીતિઓ અજમાવાઈ રહી છે. મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી ઉમેદવારો અને તેમના સમર્થકો કોઈ કસર છોડાવા માંગતા ન હોય છાને ખૂણે શામ દામ દંડ ભેદનો ભરપૂર પ્રયાસ થઈ રહ્યો છે.જ્યારે તંત્રએ મતદાન માટે રિસીવિંગ, ડિસેપચ સેન્ટર નક્કી કરી ચૂંટણી માટે આર.ઓ. સહિત 2 હજારથી વધુના સ્ટાફને જોતરી દીધો છે અને આજે શનિવારે ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ મતદાન મથકના મોરચે રવાના થઇ ગયો છે ત્યારે ગામનો સરપંચ કોણ ? તેને લઈને જબરી અટકળો સાથે સરપંચ બનવા માંગતા નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/