મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરના હાટડા પર દરોડામા એક યુવતી સહિત 9 ઝડપાયા

0
272
/
બ્રિટનના નાગરિકોને ફોનમાં મેસેજ કરી 9 આરોપીઓ ઉઘરાવતા હતા ટેક્સના નામે પાઉન્ડ : એક યુવતી સહિત 9 આરોપીઓ મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું ખુલ્યું 

માળીયા (મી.) : હાલ મોટે ભાગે શહેરોની વિશાળ બિલ્ડીંગોના ખૂણે ખાંચરે ધમધમતા ફ્રોડ કોલ સેન્ટર ઝડપાતા હોવાના સમાચારો માધ્યમોમાં ચમકે છે ત્યારે ગઈકાલે માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામેથી ગેરકાયદે ધમધમતું એક કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટરમાં કામ કરતા એક યુવતી સહિત 9 આરોપીઓને ઝડપી પાડી તમામનો કોવિડ 19 ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે કોરોના રિપોર્ટ આવી ગયા બાદ તમામની વિધિવત ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાશે એવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

માળીયા મી. પોલીસ મથક પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામ નજીક આવેલા એક પેટ્રોલપંપની બાજુના બિલ્ડીંગમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમી મળતા માળીયા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. આ દરમ્યાન વિકાસ સુરેન્દ્ર ત્યાગી ઉં.વ. 34, મિરેશ જયેશ શાહ ઉં.વ. 36, જીતુ સબાસ્ટીન જ્યોર્જ ઉં.વ. 37, નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ ઉં.વ. 35, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની ઉં.વ. 34, રાજેશ રૂબન ટોપનો ઉં.વ. 33, આકાશ યશવંતકુમાર રાવલ ઉં.વ. 27, કૌશલ કિરીટ પટેલ ઉં.વ. 31 તથા રિમા દિનેશ સોલંકી ઉં.વ. 28 રહે. તમામ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંની અટકાયત કરી તમામનો કોવિડ 19 ટેસ્ટ કરાવવા તજવીજ આદરી છે. તમામ આરોપીઓના રિપોર્ટ આવી ગયા બાદ આરોપીઓની ધરપકડ કરી માળીયા પોલીસ વિસ્તૃત તપાસ હાથ ધરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા આરોપીઓના રિમાન્ડ પણ  મેળવશે.

બનાવની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે મોડી રાત્રે 11 વાગ્યે પોલીસકર્મી ભગિરથસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોટી બરાર ગામે એકલિંગ પેટ્રોલપંપ પાછળ આવેલા બે માળના મકાનમાં કેટલાક યુવાનો કોલ સેન્ટર ચલાવે છે. ઉપરોક્ત મળેલી બાતમીને આધારે પોલીસે પંચના માણસોને બોલાવી તથા પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોસ્ટેબલ જે કે ઝાલા તથા લોકરક્ષક દળના સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, આશિષભાઈ ડાંગર અને નયનાબેન બોરીચાને બોલાવી ઉપરોક્ત મકાનની તલાસી લેતા એક યુવતી સહિત કુલ 9 આરોપીઓ મળી આવ્યા હતા. ઉપરોક્ત મકાનમાં આગળના ભાગે બંધ શટર ખખડાવતા એક શખ્સે શટર ખોલતા અને પોલીસે અંદર તપાસ કરતાં આઠેક જેટલા અન્ય શખ્સો કોલ સેન્ટર ચલાવતા પણ મળી આવ્યા હતા.

આ કોલ સેન્ટર મૂળ અમદાવાદના રહેવાસી વિકાસ સુરેન્દ્ર ત્યાગીનું હોવાનું ખુલ્યું હતું. ઉપરોક્ત સ્થળે વિવિધ પ્રકારના મોબાઇલ ફોન તેમજ 9 લેપટોપ, સર્વર સહિતના સાધનો મળી આવ્યા હતા. જેની કુલ કિંમત આશરે રૂપિયા 1,76000 ગણી મુદ્દામાલ તરીકે ઝપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા લેપટોપમાં જાન્યુઆરી મહિના દરમ્યાન થયેલી લેતીદેતીનો હિસાબ પણ મળ્યો છે.

આ કોલ સેન્ટર મૂળ અમદાવાદના રહેવાસી વિકાસ સુરેન્દ્ર ત્યાગીનું હોવાનું ખુલ્યું હતું. ઉપરોક્ત સ્થળે વિવિધ પ્રકારના મોબાઇલ ફોન તેમજ 9 લેપટોપ, સર્વર સહિતના સાધનો મળી આવ્યા હતા. જેની કુલ કિંમત આશરે રૂપિયા 1,76000 ગણી મુદ્દામાલ તરીકે ઝપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા લેપટોપમાં જાન્યુઆરી મહિના દરમ્યાન થયેલી લેતીદેતીનો હિસાબ પણ મળ્યો છે.

ઝડપાયેલા આરોપીની મોડેસ ઓપરેન્ડી જોતા સ્પષ્ટ થયું હતું કે બ્રિટનના નાગરિકોને મેસેજ કરી તમારો ટેક્ષ બાકી છે જે ભરી આપશો, નહીં તો તમારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી બ્રિટન સ્થિત બેન્કોના અલગ-અલગ એકાઉન્ટ નંબર આપી ટેક્સ પેટે બ્રિટનના ચલણ પાઉન્ડ જે તે એકાઉન્ટમાં જમા કરાવી લેતા હતા. આ માટે તમામ લેપટોપને જોડીને એક સર્વર પણ બનાવવામાં આવેલુ હતું. ખૂબ જ વ્યવસ્થિત રીતે ઑનલાઇન મેનેજ કરાતા આ સ્કેન્ડલમાં બ્રિટનના નાગરિકો સાથે બ્રિટનના ટોનમાં ઈંગ્લીશમાં વાતચિત કરવા માટે તાલીમબદ્ધ માણસોનો સ્ટાફ હતો. તેમજ શું વાતચીત કરવી તે અંગેની પૂરી સ્ક્રિપ્ટ પણ દરેક લેપટોપમાંથી મળી આવી હતી. ઉપરોક્ત બોગસ કોલસેન્ટર આઈડી આઈબીમ સોફ્ટવેરનો ઉપયોગ કરી ચલાવવામાં આવતું હતું. બ્રિટનના નાગરિકોને બ્લાસ્ટિંગ કરી ટેક્સ બાકીના મેસેજ મોકલવામાં આવતા. ત્યારબાદ જે નાગરિકનો ફોન આવે તેની સાથે વાતચીત કરી તેઓને શીશામાં ઉતારવામાં આવતા અને બ્રિટન સ્થિત બેંકોના અલગ અલગ એકાઉન્ટ નંબર આપી પાઉન્ડ તેમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા.

અત્યાર સુધીમાં બ્રિટનના કેટલા નાગરિકો સાથે ખોટા મેસેજ અને ફોન કરીને છેતરપિંડી કરી છે તેનો આંકડો વિસ્તૃત તપાસ કર્યા બાદ જ બહાર આવશે. હાલ ઇન્ડિયન પીનલ કોડની કલમ 406, 419, 420, 120 બી તથા આઈટી એક્ટની કલમ 66 D, 66 C મુજબની કલમો હેઠળ ગુનો નોંધી ઉપરોક્ત બનાવની તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એચ. ચુડાસમા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં આવા ફ્રોડ કોલ સેન્ટરો ધમધમતા હોય છે. જ્યાં ઝડપાઇ જવાનું જોખમ હોવાથી માળીયા જેવા સેન્ટરને પસંદ કરી ત્યાં નાના ગામડામાં આ કોલ સેન્ટરનું કૌભાંડ શરૂ થયું હતું. જો કે પોલીસની બાઝ નજર અને બાતમીદારોના નેટવર્કને કારણે આ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. વધુ તપાસમાં હજુ આ કોલ સેન્ટરના તાર ક્યાં ક્યાં અડે છે એ સામે આવશે. હાલ તો માળીયા મી.માંથી આવું જબરું નેટવર્ક ઝડપાતા મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/