વાંકાનેર યાર્ડ ભારત બંધમાં જોડાશે : મોરબી અને હળવદ યાર્ડ બંધ માં નહીં જોડાય

0
57
/

મોરબી :  કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓનો સંસદમાં વિરોધ પક્ષોએ આક્રમક વિરોધ કર્યો છે. ત્યારે સમગ્ર દેશના ખેડુત સંગઠનો આ ખેડૂત વિરોધી કાયદાઓનો આક્રમક વિરોધ કરી રહ્યા છે. દેશના 250 કરતા વધુ ખેડૂત સંગઠનોએ આ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આવતીકાલે તા. 25/09/2020ને શુક્રવારના રોજ “ભારત બંધ”નું એલાન આપ્યું છે.

આ અંગે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું છે કે આવતીકાલે મોરબી માર્કેટ યાર્ડ કૃષિ બિલના વિરોધમાં ભારત બંધમાં જોડાશે નહિ. તેમજ મોરબી માર્કેટ યાર્ડ આવતીકાલે રાબેતા મુજબ ચાલુ રહેશે.

જ્યારે હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોણભાઈ પટેલએ જણાવ્યું છે કે હાલ હળવદ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક નોંધાઈ રહી છે. અત્યાર સુધી કોઈ વેપારીઓ દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરાયો નથી કે અમોને કોઈ જાણ પણ થઈ નથી. જેથી, આવતીકાલે હળવદ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે હળવદ માર્કેટ યાર્ડ આ બંધના એલાનમાં જાેડાયું નથી. જેથી, કેટલાક ખેડૂત સંગઠનો માર્કેટ યાર્ડમાં વિરોધ નોંધાવવા આવશે તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

જ્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ – APMCના ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદાએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. આથી, આવતીકાલે વાંકાનેર યાર્ડ બંધ રહેશે અને માર્કેટ યાર્ડની તમામ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. આ ઉપરાંત, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલામભાઇ પરાશરા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ફાતુબેન યુનુસભાઇ શેરસીયા, મોરબી જિલ્લા પંચાયત સભ્ય પ્રભુભાઈ વીંઝવાડિયા, હરદેવસિંહજી જાડેજા, જમનાબેન નવધણભાઈ મેઘાણીએ પણ ભારત બંધને ટેકો જાહેર કર્યો છે. તેમજ આવતીકાલે સૌ વેપાર-ધંધા બંધ રાખી ખેડૂતોએ આપેલ “ભારત બંધ”ના એલાનમાં ગાંધી ચીંધ્યા માર્ગે જોડાઇ તેવી અપીલ કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/