મોરબીમાં વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો: 100 થી વધુ વડીલો આવ્યા

0
426
/

મોરબી :  કુદરતે પુરુષ અને સ્ત્રીને એકબીજાના પૂરક અને સુખદુઃખના સાથી તરીકે જીવન જીવવા માટે સર્જન કર્યું છે અને સમાજની પરંપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયને સ્ત્રી-પુરુષો સંસાર જીવનને માણે છે. જોકે જીવનસાથી વિના સંસારનો ભવ સાગર તરી શકવો લગભગ કઠિન હોય છે. દરેક વ્યક્તિ ઉંમર લાયક થયા બાદ સારા જીવનસાથી તલાશમાં હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે ,જીવનની કસોટીઓને કારણે ઘણા લોકો લગ્નની ગાંડી ચુકી જતા હોય છે આવી રીતે લગ્નજીવનના મધદરિયે પહોંચીને અનેક પરણિત યુગલો છુટા પડી જતા હોય છે. આવા લોકોને મોટી ઉંમરે એકલતા ખૂબ જ પીડા આપતી હોય છે અને પાછલી જિંદગી બોજારૂપ લાગે છે. ત્યારે આવી મોટી ઉંમરના વડીલોનો ધર સંસાર ફરી મહેકી ઉઠે તે માટે અમદાવાદની એક સંસ્થાએ ભગીરથ પ્રયાસો કર્યા જેના ભાગરૂપે મોરબીમાં પ્રથમ વખત વડીલો માટે જીવનસાથી પંસદગી મેળો યોજાયો હતો.

અમદાવાદની અનુબંધ ફાઉન્ડેશન દ્વારા મોરબી લોહાણા વિદ્યાર્થી ભવનના સહયોગ થકી આજે મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે 50 વર્ષથી ઉપરના અપરણિત ,છૂટાછેડા લીધેલા ,ત્યકતા સહિતના લોકો માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ માટે 45 વર્ષીથી ઉપર અને પુરૂષો માટે 50 વર્ષથી ઉપરની વયમર્યાદા રાખવામાં આવી હતી. આ જીવનસાથી પસંદગી મેળા અંગે મોરબી સહીત સમગ્ર વિશ્વમાં બહોળો વાચક વર્ગ ધરાવતા મોરબી અપડેટમાં સમાચાર પ્રસારિત કરી વડીલોને ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું હેન પગલે ભાગ લેવા માટે અગાઉથી 1 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી હતી.સમગ્ર ભારતની સાથે અમેરિકમાંથી પણ બાયોડેટા આવ્યા હતા. જે બદલ આજે સમારોહ દરમિયાન મોરબી અપડેટનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જયારે આ જીવનસાથી પસંદગી મેળામાં આવેલી એન્ટ્રીમાંથી 100 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 75 ભાઈઓ અને 25 બહેનોએ હાજરી આપી હતી. આ અનોખા મેળામાં મુંબઈ, સુરત, અમદાવાદ, જામનગર, રાજકોટ, નવસારી, ગોંડલ સહિત રાજ્યભરમાંથી લગ્નોત્સુક ઉમેદારોએ ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ,અમદાવાદની આ સંસ્થા દ્વારા આજે મોરબીમાં યોજાયેલો વડીલો માટેનો જીવનસાથી પંસદગી મેળો 61 મો છે.અત્યાર સુધીમાં આ સંસ્થા 165 વડીલ યુગલોનો ધર સંસાર મહેકાવ્યો છે. આ મેળો વિનામૂલ્યે જ યોજાઈ છે અને બહેનોને આવવા જવાનો ખર્ચ, રહેવા જમવાની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે.આ સંસ્થા લગ્ન કરાવ્યા બાદ બહેનોને કોઈપણ જાતની તકલીફ ન પડે એ માટેની ખાસ તમામ પ્રકારની કાળજી રાખે છે.આજના મેળામાં અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ પટેલ ,સેક્રેટરી ભારતીબેન રાવલ ,લોહાણા વિધાર્થી ભવનના ભુપતભાઇ રવેશિયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

એક દીકરી પોતાની માતાના લગ્ન કરવા માટે આવી

મોરબીમાં પ્રથમ વખત યોજાયેલા આ અનોખા જીવનસાથી પસંદગી મેળામાં મોરબીની એક દીકરી પોતાની માતાના ફરી લગ્ન કરાવવા માટે આવી હતી.મોરબીમાં રહેતી આ દીકરીના માતાની ઉંમર 52 વર્ષની છે અને તેની માતાના 25 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા.માતાએ આ દીકરીના લાલન પાલન અને ભણતરની જવાબદારીને કારણે બીજા લગ્ન કર્યા ન હતા.આ માતાની એક એક જ દીકરી છે.તેથી દીકરીને મોટી કરવા માટે પોતાના તમામ અરમાનો અને ખુશીનો ત્યાંગ કરનાર માતા પ્રત્યે પણ દીકરીને અનન્ય લાગણી છે અને માતા ફરી ઘર સંસાર વસાવે તેવી આ દીકરીની મહેચ્છા છે અને દીકરીએ પોતાની માતાના ફરી લગ્ન કરવાની નેમ લીધી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/