માળીયાના મોટા દહીંસરા ગામે થયેલ હત્યાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ

0
124
/

મૃતક સગીર મોરબીના લીલાપર આવાસ યોજનામાં રહેતો હતો : માતાજીના માંડવામાં કોઈ બાબતે માથાકૂટ થયા બાદ હત્યા : શકમંદોની પૂછતાછ

માળીયા (મી.) : તાજેતરમા માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે સગીરને પથ્થરોના ઘા ઝીકીને અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતારી દેવા પ્રકરણમાં મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછનો દૌર શરૂ કર્યો છે અને મૃતક સગીર મોરબીના લીલાપર રોડ સ્થિત આવાસ યોજનામાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.

ચકચારી હત્યાના બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનામાં રહેતા લાલાભાઈ વલ્લભભાઈ દેલવાડિયા (ઉ.વ.17) નામનો સગીર તેના માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા બનેવીના કાકાના ઘરે ગતરાત્રે યોજાયેલા માતાજીના માંડવાના પ્રસંગે હાજરી આપવા ગયો હતો ત્યારે તળાવની પાળે ખુલ્લા પ્લોટમાં યોજયેલા માતાજીના માંડવામાં બહારગામથી મહેમાનો આવ્યા હતા તે સમયે કોઈ બાબતે માથાકૂટ પણ થઈ હતી.

વધુમાં ગતરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં થયેલ આ ડખ્ખામાં ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સોએ લાલાભાઈ વલ્લભભાઈ દેલવાડિયાને પથ્થરોના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી.આ બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ ચુડાસમાં સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે મૃતકના ભાઈ વિરમભાઈ વલ્લભભાઈ દેલવાડિયાએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પીએસઆઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, માતાજીના માંડવામાં અનેક લોકો આવ્યા હોવાથી હાલ કઈ બાબતે આ હત્યાનો બનાવ બન્યો તે સામે આવ્યું નથી પરંતુ હાલ શંકમદોની ઉલટ તપાસ ચાલી રહી છે.આથી હાલ તો આ હત્યાના બનાવના કારણ અંગે રહસ્ય પણ ઘૂંટાઈ રહ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/