મોરબી જિલ્લામાં અઢી મહિનામાં માસ્ક વિના ફરતા 22,439 લોકો દંડ વસુલ કરાયો

0
98
/
અઢી માસમાં માસ્ક ના પહેરવા બદલ મોરબીવાસીઓએ રૂ. 57 લાખથી વધુનો દંડ ભર્યો

મોરબી : તાજેતરનાં કોરોના કાળને કારણે જાહેર હિતની સલામતી માટે સરકરે જાહેરમાં નીકળતા લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનો કડક નિર્ણય અમલી બનાવ્યો છે. આ ફરજીયાત માસ્કના નિયમની જે તે પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા કડક અમલવારી કરવામાં આવે છે. જો કે લોકડાઉનની શરૂઆતમાં માસ્ક ન પહેરવા બદલ રૂ. 200 ના દંડની જોગવાઈ હતી. આમ છતાં પણ લોકડાઉન ખુલ્યા બાદ લોકોની બેફિકરાઈ વધી જતાં માસ્ક ન પહેરવાના દંડની રકમ પણ ધીરે ધીરે વધતી ગઈ હતી અને હવે માસ્ક ન પહેરવા બદલ રૂ. 1 હજારનો દંડ થાય છે. આથી, જાહેરમાં માસ્ક વિના નીકળવું મોંઘું પડે છે.

મોરબી જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ શરૂઆતથી દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. જો કે શરૂઆતમાં આ દંડનીય કાર્યવાહી કરવાની જવાબદારી પાલિકા તંત્ર પાસે હતી. ત્યાર પછી સરકારે માસ્ક ન પહેરવા બદલ દંડનીય કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસ વિભાગને સોંપી હતી અને પોલીસ તંત્ર પણ આ નિયમની કડકપણે અમલવારી કરી રહ્યું છે.

ત્યારે મોરબી જિલ્લામાં ગત તા. 15 જુનથી 31 ઓગસ્ટ સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા માસ્ક ન પહેરવા બદલની દંડનીય કાર્યવાહી વિગતવાર જોઈએ તો આ સમયગાળા દરમ્યાન જિલ્લાના 22439 લોકોને જાહેરમાં માસ્ક ન પહેરવું ભારે પડ્યું હતું અને મોરબી જિલ્લામાં અઢી માસમાં 22,439 લોકોને રૂ. 57 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. જ્યારે જિલ્લામાં અન્ય પોલીસ કરતા જિલ્લામાં સૌથી વધુ ટ્રાફિક શાખાએ માસ્ક ન પહેરવા બદલ રૂ. 8 લાખથી વધુનો દંડ વસુલ કરાયો હતો.

જિલ્લાના પોલીસ મથક વાઇઝ જોઈએ તો મોરબી એ ડિવિઝન પોલીસે 2553 લોકોને રૂ. 7,01,400, મોરબી બી ડિવિઝન પોલીસે 3223 લોકોને રૂ. 8,40,900, મોરબી તાલુકા પોલીસે 1876 લોકોને રૂ. 4,71,400, વાંકાનેર શહેર પોલીસે 2584 લોકોને રૂ. 5,96,500, વાંકાનેર તાલુકા પોલીસે 2220 લોકોને રૂ. 6,55,800, માળીયા પોલીસે 1698 લોકોને રૂ. 4,32,100, ટંકારા પોલીસે 3181 લોકોને રૂ. 7,94,700, હળવદ પોલીસે 1512 લોકોને રૂ. 3,40,600 અને જિલ્લા ટ્રાફિક શાખાએ 3592 લોકોને રૂ. 8,69,500નો દંડ ફટકાર્યો હતો.

સરકાર માસ્કના નામે ઉઘાડી લૂંટ ચાલવતી હોવાનો આક્રોશ

માસ્ક ન પહેરવા બદલ રૂ. 1 હજારનો દંડ વસુલવામાં આવે છે. જેથી, લોકોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. ખાસ કરીને મોરબીમાં કોંગ્રેસે સરકાર સામે ધગધગતો આક્ષેપ કર્યો હતો કે માસ્કના નિયમના નામે સરકારે ઉઘાડી લૂંટ ચલાવી છે. સરકારનું આ લોકોના ખિસ્સા ખંખેરાવાનું કારસ્તાન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ખાસ કરીને સામાન્ય કે મધ્યમવર્ગીય લોકો રોજના 1 હજાર કમતો જ નથી હોતો. ત્યારે ભૂલેચૂકે માસ્ક પહેરી ન નીકળે તો કાળા કાયદાના નામે સામાન્ય અને મધ્યમવર્ગના ખિસ્સા ખંખેરી લેવાય છે. જો કે આ મામલે જોરદાર આક્ષેપ અને વિરોધ ઉઠ્યા બાદ પણ દંડની રકમ ઘટી નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/