મોરબીમાં નવલખી રોડની સોસાયટીમાં ત્રણ મહિનાથી પાણી નથી મળતું

0
59
/

મોરબી: જળભંડાર અખૂટ હોવા છતાં તંત્રની અણઆવડતને કારણે ભરશિયાળે પાણીના સાંસા, પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીમાં જળભંડાર છલોછલ ભરેલા હોવા છતાં શહેરની નવલખી રોડની સોસાયટીમાં છતે પાણીએ વલખા મારવાની નોબત આવી છે. આ સોસાયટીમાં ત્રણ મહિનાથી સમ ખાવા પૂરતું પણ પાણી ન આવતા આજે સ્થાનિકો વિફર્યો હતા અને પાલિકા કચેરીએ દોડી જઈને હલ્લાબોલ કર્યું હતું. જો કે રજુઆત દરમિયાન પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી નીલકંઠ સોસાયટીના લોકો આજે પાણી પ્રશ્ને નગરપાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ પાણી પ્રશ્ને ઉગ્ર આકોશ ઠાલવ્યો હતો કે, નીલકંઠ સોસાયટી છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં આવી છે અને આ સોસાયટીમાં 150 જેટલા મકાનો છે. શરૂઆતમાં આ સોસાયટીમાં નગરપાલિકાની પાણીની લાઈનમાંથી વ્યવસ્થિત રીતે પાણી આવતું હતું. પરંતુ બાદમાં કુવામાંથી પાણી આપવામાં આવતું હતું. પણ કુવાનું પાણી દૂષિત હોય એ પાણી બંધ થઈ ગયું હતું. હવે છેલ્લા ત્રણ મહિનામાં આ સોસાયટી એક ટીપુંય પાણી આવતું નથી.

નીલકંઠ સોસાયટીમાં છેલ્લા ત્રણ માસથી પાણી ન આવતા લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. દરરોજ પાણીની મોકાણ ઉભી હોય છે. અગાઉ પાણી પ્રશ્ને તંત્રને રજુઆત કરી હતી. પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આ રજુઆત બેઅસર રહી હતી. જો કે રજુઆત સમયે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી રહીશોએ ચીફ ઓફીસરના પીએને રજુઆત કરી હતી અને તેઓએ ટૂંક સમયમાં પનું પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી. જો કે મચ્છુ-2 ડેમ હાલ છલોછલ ભરેલો છે. એટલે કોઈ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થવાનો સવાલ જ નથી. પણ તંત્રની બેદરકારીને કારણે આ કૃત્રિમ સમસ્યા ઉભી થઇ છે. હજુ તો શિયાળામાં આવી પરિસ્થિતિ છે તો ઉનાળામાં કેવા હાલ હવાલ થશે ?

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/