મોરબીમાં વરસાદના પાણી વચ્ચે બનાવેલ ડામર રોડનું ત્રણ દિવસમાં ધોવાણ

0
44
/
/
/
કોન્ટ્રાકટરોની ઘોર લાપરવાહીથી લોકોના પૈસા પાણીમાં વહી ગયા : કોન્ટ્રાકટરોનું પેમેન્ટ અટકાવી દેવાનો ચીફ ઓફિસરે નિર્દેશ આપ્યો

મોરબી : એક સર્વ સામાન્ય બાબત છે કે પાણીમાં ડામર કોઈ કાળે ટકતો નથી. આમ છતાં પણ મોરબી પાલિકાના કોન્ટ્રાકટરોએ ઘોર લાપરવાહી દાખવીને વરસાદના ભરાયેલા પાણી વચ્ચે ડામર રોડ બનાવી નાખ્યો હતો. જોકે પાણીએ એની તાકાત બતાવી દીધી હતી અને રોડ બનાવ્યાના બે દિવસમાં જ ડામર રોડ ધોવાઈ ગયો હતો.

મોરબીના ગાંધીચોકથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડને ત્રણ દિવસ પહેલા ડામરથી મઢવામાં આવ્યો હતો. જોકે આ રોડ ઉપર વરસાદના પાણી ભરાયા હતા. પાણીમાં ડામર ટકતો ન હોવાનું સુપેરે જાણવા છતાં નગરપાલિકાના કોન્ટ્રાકટરોએ અહીંયા વરસાદના ભારેયલા પાણી વચ્ચે રોડ બનાવી નાખ્યો હતો. કદાચ બાપડા કોન્ટ્રાકટરોને આંખે અંધાપો આવી ગયો હશે. એટલે રોડ ઉપરના વરસાદના પાણી દેખાયા નહિ હોય. આથી, પાણીએ પરચો દેખાડી દેતા ડામર રોડ ઉખડી ગયો છે અને રોડ પરની કોંક્રીટ વેરવિખેર થઈ ગઈ છે. એકંદરે આખો ડામર રોડ ધોવાઈ ગયો છે. એટલે લોકોના પૈસાનું પાણી થઈ ગયું છે.

આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું કે ડામર રોડનું કામ પાણીમાં થયું છે એટલે રોડ નબળો પડવા લાગ્યો છે. આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટરો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. જોકે કોન્ટ્રાકટરોને પૈસા ચૂકવ્યા નથી. એથી, એમનું પેમેન્ટ અટકાવી દેવાશે. ફરીથી રોડનું યોગ્ય કામ કરશે ત્યારે જ તેને પેમેન્ટ ચૂકવાશે તેમ તેમણે જણાવેલ હતું.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner