મોરબીના વનાળીયા ગામે દીપડો આવ્યાની શંકાએ ફોરેસ્ટ વિભાગ સતર્ક

0
127
/

મોરબી: તાજેતરમા જંગલના રાની પ્રાણીઓના શહેરો તરફ વધતા જતા અતિક્રમણને કારણે સૌરાષ્ટ્રમાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. રાજકોટ નજીકના જસદણના એક ગામમાં દીપડાએ ગતરાત્રીએ 16 બકરાનું મારણ કર્યાના સમાચાર તાજા જ છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ઘણા દિવસોથી દીપડાનાં આંટાફેરા વધ્યા હોવાની ચર્ચા વચ્ચે જુના સાદુરકા ગામે દીપડો હોવાના સગડ મળ્યા હતા. પણ તે અફવા પુરવાર થઇ હતી. ત્યારબાદ ફરી વનાળિયા ગામે દીપડો હોવાની આશંકાએ વનવિભાગ પાંજરું મુકવાની તૈયારી કરી રહ્યું છે એવું જાણવા મળી રહ્યું છે.

જો કે, એ સમયે મળેલા પદ ચિહ્નો સ્પષ્ટ ન હોવાથી જંગલી શ્વાન કે ઝરખ હોવાનું અનુમાન વન વિભાગે લગાવ્યું હતું. અલબત્ત બે દિવસ પહેલા વનાળિયા ગામે શ્વાનનું મારણ થયું હોવાના સમાચાર વન વિભાગને મળતા કરેલી તપાસમાં મારણ કરનાર પ્રાણી દીપડો જ હોય શકે એવી આશંકા વન વિભાગે વ્યક્ત કરી છે. કેમકે દીપડો એક જ રાતમાં 20થી 25 કિલોમીટરનું સ્થળાંતર આસાનીથી કરી શકતો હોય મારણ કરનાર પ્રાણી દીપડો હોવાની પુરી સંભાવનાને ધ્યાને લઇ ફોરેસ્ટ ખાતાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

મોરબી રેન્જ ફોરેસ્ટ ઓફિસર મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ફોરેસ્ટની ટીમ ઉપરોક્ત વિસ્તારમાં સઘન તપાસ કરી રહી છે. સ્થાનીય લોકોને એકલા બહાર નીકળતી સમયે સાવધાની રાખવી, ખુલ્લામાં ન સુવુ કે રાત્રીના સમયે બહાર ન નીકળવું અને નાના બાળકોને એકલા ન મુકવા એમ જણાવી ફોરેસ્ટ ઓફિસરે લોકોને અપીલ કરી છે કે, કોઈ પ્રાણીની શંકાસ્પદ હિલચાલ દેખાય કે ક્યાંય કોઈ મારણ કરેલું જણાય તો સત્વરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/