TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર

0
1
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] રાજકોટ : વિગતો મુજબ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સર્જાયેલા અગ્નિકાંડના ઝડપાયેલા ત્રણેય આરોપીને સોમવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સેસન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટમાં જામીન અરજીની સુનાવણી શરૂ થાય તે પહેલાં જ આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં મગરના આંસુ સાર્યા હતા. રાજકોટના ઇતિહાસમાં સૌથી ખતરનાક કહી શકાય તેવા આ અગ્નિકાંડ મામલે સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીની ધારદાર દલીલો બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

ગત તા.25મી મેના ગોઝારા દિવસે રાજકોટના કાલાવડ રોડ ઉપર નાનામવા વિસ્તારમાં સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા આ વિકરાળ આગમાં 30 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, આ ગંભીર અગ્નિકાંડમાં રાજકોટ પોલીસે તાત્કાલિક અસરથી ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનની ધરપકડ કર્યા બાદ ક્રાઇમબ્રાન્ચે સોમવારે ત્રણેય આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા અગ્નિકાંડમાં સ્પેશિયલ પીપી તરીકે રોકાયેલા તુષાર ગોકાણીએ કોર્ટ સમક્ષ દલીલ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી, તપાસનીશ અધિકારી પૂછે તો કહે છે કે પુરાવા નાશ થઇ ગયા છે. તેમને ત્યાં કેટલા કર્મચારીઓ કામ કરતા હતા તેની પણ કોઈ માહિતી આરોપીઓ આપતા નથી.

સાથે જ સ્પેશિયલ પીપી ગોકાણીએ જણાવ્યું હતું કે, એક મહિલાએ ડાઇંગ ડિક્લેરેશનમાં કહ્યું છે કે, જે માળે આગ લાગી ત્યાં કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. સાથે જ કોર્ટમાં જણાવાયું હતું કે ટીઆરપી ગેમઝોનમાં ફાયર એનસોસી જ લેવાયું ન હતું, ઉપરાંત કોર્ટ સમક્ષ જણાવાયુ હતું કે, ટીઆરપી ગેમઝોન સંપૂર્ણ ફેબ્રિકેશનમાં બનેલું હતું. મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરિંગ પણ હતું સાથે જ ફાયર સાધનો પણ ન હોવાનું ફાયર વિભાગે જાહેર કર્યું છે. વિકેન્ડ હતું, વેકેશનનો સમય હતો તેમજ શનિવારના દિવસ માટે ખાસ ઓફર પણ આપવામાં આવી હતી જેથી વધુ ભીડ ઉમટી હોવા છતાં વેલ્ડિંગનું કામ કેમ ચાલતું હતું એ મોટો સવાલ છે. સુનાવણી દરમિયાન આરોપી રાહુલ રાઠોડે કહ્યું હતું કે, અમે તો પગારદાર નોકર છીએ અને અમે માલવીયાનગર પોલીસ મથકમાં સામેથી હાજર થયા હતાં અને પોલીસ તપાસમાં પૂરતો સહયોગ આપીએ છીએ.

કોર્ટમાં રિમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન એક માત્ર આરોપી યુવરાજસિંહના ચહેરા પર દુઃખ જોવા મળ્યું હતું, બાકીના બે આરોપીને કોઈ દુઃખ કે શરમ ન હોય તેવું પ્રતીત થતું હતું, આરોપીઓએ કોઈ દિવસ લાયસન્સ માટે અરજી કરી ન હોવાનું અને પોલીસ પાસે માત્ર એન્ટ્રી ફી અને રાઈડ ફી માટે જ પરમિશન લીધી હોવાનું સામે આવ્યું છે, સાથે જ કોર્ટમાં સુનાવણી દરમિયાન કાટમાળમાંથી લાશ મળી રહી હોવાનું અને એફએસએલ આવ્યા પહેલાં જ કાટમાળ હટાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થયો હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં મૃતકોના પરિવારોને મૃતદેહ સોંપવાની કાર્યવાહી ચાલુ હોય કોઈ વિક્ટિમ કોર્ટમાં હાજર ન હોવાથી વિક્ટિમ પરિવારો તરફથી રાજકોટ બાર એસોસિએશને કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, વિકટિમનો પરિવાર અહીંયા આવી શકે તેમ નથી એના બદલામાં રાજકોટ બાર એસોસિએશન ઉભું છે.નોંધનીય છે કે, રાજકોટ બાર એસોસિએશન દ્વારા આરોપીઓના કેસ ન લડવા ઠરાવ કર્યો હોય સુનાવણીમાં કોઈ વકીલ હાજર ન રહેતા આરોપીઓ તરફે લીગલ એઇડ સર્વિસના વકીલ હાજર રહ્યા હતા.બન્ને પક્ષની દલીલ બાદ કોર્ટે તત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/