સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત

0
298
/

 

સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા ભાગની શાળાઓ, ક્લાસિસો અને ઊંચી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ છે. ઉપરાંત શહેરનું ફાયર બ્રિગેડ ઊંચે સુધી આગ બુઝાવવા માટે સક્ષમ નથી. આમ મોરબીનું તંત્ર જાણે દુર્ઘટના સર્જાવાની રાહ જોતું હોય તેવો ઘાટ સર્જાયો છે. પરંતુ સુરતની દુર્ઘટનાથી તંત્ર સફાળું જાગ્યું છે અને તપાસ હાથ ધરવાનું કહ્યું છે.
સુરતના એક ખાનગી ટ્યુશન ક્લાસમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ઝપેટમાં અનેક બાળકો આવી ગયા હતા. ઉપરાંત અનેક બાળકોએ જીવ બચાવવા માટે ચાર માળની ઇમારત ઉપરથી નીચે કૂદકો પણ માર્યો હતો. આ દુર્ઘટનામા હાલ ૧૯ બાળકોના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડો હજુ વધી શકે તેવી સંભાવનાઓ છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની નોંધ લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે.
જેમ સુરતમાં આ આગની દુર્ઘટના સર્જાઈ તેવી જ રીતે મોરબીમાં પણ આવી આગની દુર્ઘટના સર્જાઈ તેવી પરિસ્થિતિ પરીણમી છે. કારણકે મોરબીમાં અનેક હાઇરાઈઝ બિલ્ડિંગો આવેલી છે. ઉપરાંત અનેક શાળાઓ પણ ઊંચી ઈમારતો ધરાવે છે. સાથે કોમર્શિયલ કોમ્પલેક્ષમા અનેક ટ્યુશન ક્લાસિસો ચાલી રહ્યા છે. આ તમામ જગ્યાએ ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તંત્ર જાણે કોઈ દુર્ઘટના સર્જાવાની રાહ જોતું હતું. તેવો ઘાટ સર્જાયો હતો.

વધુમાં મોરબીના ફાયર બ્રિગેડ પાસે આધુનિક સાધનોનો અભાવ છે. ઉપરાંત આ ફાયર બ્રિગેડ ઊંચે સુધી લાગેલી આગને બુઝાવવા માટે સક્ષમ પણ નથી. ત્યારે આ મામલે સરકારે પણ રસ દાખવીને મોરબીના ફાયર બ્રિગેડને આધુનિક બનાવવાની જરૂર છે. સુરતની આ દુર્ઘટના બાદ મોરબીમાં તંત્ર સફાળું જાગ્યું છે. અત્યાર સુધી ફાયર સેફટી બાબતે લોલમલોલ ચાલતું હતું. આજ સુધી તંત્રએ ક્યારેય કોઈ દુર્ઘટના સર્જવવાની ભીતિને ધ્યાને લઈને પગલાં લીધા ન હતા. પરંતુ સુરતની દુર્ઘટનાના કારણે તંત્રએ અચાનક હરકતમાં આવીને મોરબીમાં પણ બિલ્ડીંગો અને શાળાઓની તપાસ કરવાનું જાહેર કર્યું છે.

ચીફ ઓફિસર સાગર રાડીયાએ ‘મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ શહેરમા અનેક બિલ્ડીંગો મંજૂરી વગરની છે. ત્યારે આગામી ૩ થી ૪ દિવસમાં ખાસ ડ્રાઇવ યોજીને આ તમામ બાંધકામોનું ચેકીંગ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકીએ જણાવ્યું કે અગાઉ તેઓએ શાળા સંચાલકોને નવા શૈક્ષણિક સત્રથી તમામ પોલિસીની અમલવારી કરવાની સુચના આપી જ હતી. તેમ છતાં આગામી સપ્તાહમાં તમામ શાળાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખે જણાવ્યું કે દરેક શાળાઓમાં બાળ સુરક્ષા ધારો અને સ્કૂલ સેફટી પોલિસી ૨૦૧૬ મુજબના નિયમોનું પાલન બરાબર રીતે થાય છે કે કેમ તેમજ ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગે જૂન મહિનાથી તપાસ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે સુરતમાં જે દુર્ઘટના બની છે. જેને લઈને મોરબીનું તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ અધિકારીઓએ તપાસ કરવાનું જાહેર કર્યું છે. પરંતુ હકીકતમા નિયમોનો ઉલાળીયો કરતી શાળાઓ તેમજ ઈમારતો સામે પગલાં લેવાઈ છે કે કેમ તે જોવું રહ્યું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/