મોરબીમાં કોરોના ટેસ્ટ કીટની રામાયણ યથાવત : ડોકટર સાથે બબાલ જારી

0
102
/

પૂરતા પ્રમાણમાં કીટ આવ્યાના દાવા પોકળ : ટેસ્ટિંગ સેન્ટર ઉપર 250 લોકો સામે 40 કીટ

મોરબી : મોરબીમાં કોરોનાના ચલતી રાસ વચ્ચે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કીટ આવી ગઈ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો આજે પોકળ સાબિત થયો છે અને ટેસ્ટિંગ સેન્ટર ઉપર 200થી 250 લોકોની સંખ્યા વચ્ચે માત્ર 40 જ ટેસ્ટિંગ કીટ જ આપવામાં આવતા હંગામો મચ્યો છે અને આજે લીલાપર અર્બન સેન્ટર પરસોતમચોકમા તો દર્દીઓએ ડોકટર સાથે બબાલ કરતા ડોકટર આરોગ્ય કેન્દ્ર છોડી ચાલ્યા જતા આજે પણ પોલીસ બોલવવી પડી હતી.

મોરબીમાં કોરોના મહામારીને આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગંભીરતાથી ન લઈ રહ્યો હોય દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જો કે ગઈકાલે જિલ્લા કલેકટર જે.બી.પટેલે પત્રકાર પરિષદ યોજી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કીટ, ઇન્જેક્શન, દવા ઉપલબ્ધ હોવાનું જણાવી ટેસ્ટ સેન્ટર વધારવા નું જાહેર કર્યું હતું.

પરંતુ કલેકટરની પ્રેસ કોન્ફરન્સના 24 કલાક નથી વીત્યા ત્યાં જ આજે પણ મોરબીના તમામ સેન્ટર ઉપર ફક્ત ને ફક્ત 40 જેટલી જ ટેસ્ટ કીટ જ રવાના કરવામાં આવી હતી અને મોટાભાગના ટેસ્ટ સેન્ટર ઉપર આજે પણ લોકોને ટેસ્ટ માટે કતારમાં ઉભું રહેવું પડયું હતું.

દરમિયાન મોરબીના સામાકાંઠે કલેકટર કચેરી નજીક જ આવેલા સો ઓરડી અને લીલાપર અર્બન હેલ્થ સેન્ટર, પરસોતમ ચોક ટેસ્ટિંગ સેન્ટર ખાતે 200થી 250 જેટલા લોકો કોરોના ટેસ્ટ માટે આવી પહોંચતા પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કીટ ન હોય હોહા અને ગોકીરો મચી ગયો હતો અને એક તબક્કે પરસોતમ ચોકમાં ડોકટર સાથે પણ લોકોએ બબાલ કરતા ડોકટર આરોગ્ય કેન્દ્ર છોડી જતા રહેતા પોલીસ બોલવવી પડી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

ઉલ્લેખનીય છે કે હાલમાં સરકાર આરટીપીસીઆર ટેસ્ટને જ પ્રાધાન્ય આપી રહી છે પરંતુ મોરબીમાં લોકો વધુ પ્રમાણમાં એન્ટીજન ટેસ્ટનો આગ્રહ રાખતા હોવા ઉપરાંત અનેક જગ્યાએ કોરોના પોઝિટિવ લોકો પોતાના નેગેટિવ રિપોર્ટ આવે તે માટે ટેસ્ટિંગ માટે આવી રહ્યા હોય આરોગ્ય વિભાગે લોકોને ધીરજ રાખવા અપીલ કરી વારંવાર ટેસ્ટ માટે ન આવવા પણ અનુરોધ કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/