હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગમાં હવામા ફાયરિંગ કરનાર નિવૃત આર્મીમેનની ધરપકડ

0
58
/
લગ્ન પ્રસંગમાં આશરે 200 જેટલા માણસો ભેગા કરી સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કનું ઉલ્લંઘન કરવા બદલ વરરાજા અને તેના પિતા સામે પણ ગુનો દાખલ 

હળવદ : તાજેતરમા હળવદના ખોડ ગામે એક પરિવારના પુત્રના લગ્ન પ્રસંગના વરઘોડામાં આંનદના અતિરેકમાં આવી જઈને એક શખ્સે રાઇફલમાંથી ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં હળવદ પોલીસે તુરત જ એક્શનમાં આવીને રાઇફલમાંથી ફાયરિંગ કરનાર શખ્સ એવા નિવૃત આર્મીમેન સામે ગુનો નોંધીને તેની તાત્કાલિક ધોરણે અટકાયત કરી હતી. તેમજ લગ્ન પ્રસંગમાં આશરે 200 જેટલા માણસો ભેગા કરી સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કનું ઉલ્લંઘન કરવા બદલ વરરાજા અને તેના પિતા સામે પણ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી છે.

હળવદમા ખોડ ગામે લગ્ન પ્રસંગના વરઘોડામાં એક શખ્સે મહિલાઓ વચ્ચે નાચતા-નાચતા જોખમી રીતે અન્યોના જીવ જોખમમાં મૂકીને પોતાની રાઇફલમાંથી હવામાં ભડાકા કર્યા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હળવદ પોલીસ હરક્તમાં આવી હતી. અને આ ગંભીર બનાવમાં હળવદ પોલીસે ખુદ ફરિયાદી બનીને કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદના ખોડ ગામે રહેતા દિનેશભાઇ દેવાભાઈ મહાલીયાના પુત્ર મનસુખભાઇના ગત તા.10 ના રોજ લગ્ન લેવાયા હતા. આ લગ્ન પ્રસંગ દરમ્યાન વરરાજાનો ધામધૂમથી વરઘોડો નીકળ્યો હતો. તે દરમ્યાન વરરાજાના કાકા એવા નિવૃત આર્મીમેન અને હળવદના ટીકર ગામની દેના બૅન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રમેશભાઇ દેવાભાઈ મહાલીયાએ આનંદના અતિરેકમાં આવી જઈને પોતાની રાઇફલમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આથી, પોલીસે આ શખ્સ સામે જાહેરમાં ઘાતક હથિયારથી ફાયરિંગ કરીને પોતાના તથા અન્યોના જીવ જોખમમાં મુકવા બદલ તેની સામે ગુનો નોંધી તાત્કાલીક ધોરણે તેની ધરપકડ કરી હતી. તેમજ આરોપી પાસેથી હથિયાર કબજે કરીને તે હથિયારને ચકાસણી અર્થે એફએસએલમાં પણ મોકલ્યું છે.

હળવદ પોલીસે આ સાથે જ વરરાજા મનસુખભાઇ અને તેના પિતા દિનેશભાઇ દેવાભાઈ મહાલીયા સામે પણ જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે. જેમાં આ આરોપીઓએ લગ્ન પ્રસંગમા જાહેરમા સંગીતના તાલે નાચગાનનો કાર્યક્રમ કરી સોસ્યલ ડીસ્ટન્સ નહી જાળવી માસ્ક પહેર્યા વગર અને કોરોના વાયરસ ફેલાવવાની દહેશત હોવાનુ જાણવા છતા પ્રસંગમા 190 થી 200 જેટલા માણસો ભેગા કરી કોરોના વાયરસ અંગેના કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/