મોરબી જિલ્લાના બાળકોમાં લોકડાઉન દરમિયાન કુપોષણનું પ્રમાણ વધ્યું

0
77
/
અનલોક બાદ કુપોષિત-અતિ કુપોષિત બાળકો ઘટ્યા

મોરબી : હાલ પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી ધરાવતા મોરબી જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન બાળકોમાં કુપોષણનું પ્રમાણ અગાઉના વર્ષની તુલનાએ ચિંતાજનક રીતે વધવાની સાથે લોકડાઉનના કપરા કાળમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકોની સંખ્યા વધી હતી. જો કે, અનલોક બાદ બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટ્યું હોવાનું આઇસીડીએસ વિભાગના આંકડા ઉપરથી ફલિત થઈ રહ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગના સતાવાર આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૧૯માં મોરબી જિલ્લામાં ઝીરોથી પાંચ વર્ષના કુલ ૬૦,૮૯૨ બાળકો હતા. જેમાં ૧૩૬૮ બાળકો કુપોષિત અને ૩૩૧ બાળકો અત્યંત કુપોષિત બાળકો હતા. જેની તુલનાએ જાન્યુઆરી ૨૦૨૦માં કુલ ૫૭૧૪૨ બાળકો પૈકી ૩૭૩૧ કુપોષિત અને ૧૦૮૭ બાળકો અતિકુપોષિત હોવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે.

એ જ રીતે ફેબ્રુઆરી ૨૦૧૯માં ૫૯૦૨૨ બાળકો પૈકી ૧૩૩૬ કુપોષિત અને ૨૮૯ બાળકો અતિ કુપોષિત તરીકે તારવવામાં આવ્યા હતા. જે ફેબ્રુઆરી ૨૦૨૦માં ચિંતાજનક વધારા સાથે કુલ ૬૦૪૩૪ બાળકોમાંથી ૩૭૦૬ કુપોષિત અને ૯૪૮ બાળકો અતિકુપોષિત જણાઈ આવ્યા હતા.

દરમિયાન વર્ષ ૨૦૧૯ની તુલનાએ વર્ષ ૨૦૨૦માં સરેરાશ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન સુધીમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો અને આ સમયગાળામાં લોકડાઉનને કારણે આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહ્યા હોય, સ્વાભાવિક રીતે જ બાળકો સરકારી કુપોષણ નિવારણ યોજનાનો લાભ લઇ શક્યા ન હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે.બીજી તરફ વર્ષ ૨૦૨૦માં અનલોક-૨ એટલે કે જુલાઈ મહિના બાદ પણ નવેમ્બર માસ સુધી કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. એકંદરે જૂનથી ઓક્ટોબર દરમિયાન પ્રતિમાસ ૩૬૩૭ બાળકો સરકારી ચોપડે કુપોષિત જોવા મળ્યા હતા. જે નવેમ્બરમાં ઘટીને ૧૯૩૭ અને ડિસેમ્બરમાં વધીને ૨૧૯૫ થયા હતા.

વર્ષ ૨૦૨૦માં અતિકુપોષિત બાળકોની સંખ્યા જોઈએ તો સતત વધારા સાથે જાન્યુઆરીમાં ૧૦૮૭, ફેબ્રુઆરીમાં ૯૪૮, માર્ચમાં ૯૯૬, એપ્રિલમાં ૯૯૬, મૅ માસમાં ૯૯૬, જૂનમાં ૯૯૬, જુલાઈમાં ૯૯૬, ઓગષ્ટમાં ૩૯૫, સપ્ટેમ્બરમાં ૩૯૦, ઓક્ટોબરમાં ૪૮૮, નવેમ્બરમાં ૪૮૮અને ડિસેમ્બરમાં ૫૧૪ નોંધાયા હતા.

જો કે, ઉપરોક્ત આંકડા અને જમીની હકીકત જોતા કોરોનાકાળ દરમિયાન આંગણવાડી કેન્દ્રો બંધ રહેવાની સાથે બાળકોમાં કુપોષણ ઘટાડવાની કામગીરી ખોડંગાતા બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઊંચું ગયાનું સ્પષ્ટ બન્યું છે. સાથોસાથ આંકડાની માયાજાળ રચવામાં પણ આઇસીડીએસ વિભાગની લોલમલોલ છતી થઈ રહી હોવાનું પણ જણાઈ રહ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/