મોરબીમાં ખાનગી સ્કૂલ-કોલેજોની ફી માફ કરવા ‘આપ’નું કલેક્ટરને આવેદનપત્ર

0
47
/

મોરબી : આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રભારી ભરત બારોટ દ્વારા શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાનની ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવેલ છે.

આ આવેદન પત્રમાં જણાવવામાં આવેલ છે કે આજે સમગ્ર દેશ સહિત ગુજરાતની પ્રજા કોરોના મહામારીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહી છે. આર્થિક સમસ્યા આમાંની સૌથી મુખ્ય અને ગંભીર સમસ્યા છે કારણ કે આજે તમામ લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવાના પૈસા પણ નથી એવી પરીસ્થિતિમાં ખાનગી શાળાની ફી તો વાલીઓ બિચારા કેવી રીતે ભરી શકે? આવા કપરા સંજોગોમાં આપ દ્વારા પ્રજા વતી માંગણી કરવામાં આવી છે કે નીચે જણાવેલા મુદ્દાઓ ઉપર સરકાર ધ્યાન આપીને ગુજરાતના વાલીઓની લાગણીઓ પ્રત્યે માનવતા દાખવે.

1. આ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં તમામ ખાનગી શાળાઓ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આખા વર્ષની સંપૂર્ણ ફી માફ કરવામાં આવે તેમજ આવતાં બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારના ફી વધારા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.
ગુજરાતની પ્રજા વર્ષોથી કોઈ પણ પ્રકારના વળતરની આશા વગર સરકારને શિક્ષણવેરો ભરતી આવી છે. એનો અર્થ એમ થાય કે ખાનગી શાળાના વાલીએ આજ દિન સુધી પોતાના બાળક માટે બેવડા રૂપિયા ખર્ચ્યા છે. સરકારને શિક્ષણવેરો પણ આપ્યો અને ખાનગી શાળાને ફી પણ આપી. આવું થવાનું કારણ સરકારે શિક્ષણની કરેલી ઘોર અવગણના છે. સરકારી શાળાઓની સંખ્યા અને ગુણવત્તા બંને ઓછી છે એટલે શિક્ષણવેરો ભરવા છતાં પણ વાલીઓએ પોતાના બાળકોને ખાનગીશાળામાં મોકલવા પડે છે. ૨૦ વર્ષ સુધી ગુજરાતની પ્રજાએ જેટલા રૂપિયા શિક્ષણવેરા રૂપે સરકારને આપ્યા છે એટલા જો LICમાં ૨૦ વર્ષ સુધી રોક્યા હોત તો આ મહામારીમાં બાળકનો ભણવાનો ખર્ચ અને ઘર ચલાવવાનો ખર્ચ બંને નીકળી જાત એટલે આજ દિવસ સુધી જે પૈસા પ્રજાએ સરકારને આપ્યા છે એના બદલમાં એક નાની અમથી માંગણી પ્રજા કરી રહી છે જે સરકારે સંતોષવી જ જોઈએ. આપ તો આમ પણ સંવેદનશીલ છો.

2. FRC મુજબ તમામ ખાનગી-શાળા કોલેજોને જરૂરી નિભાવ ખર્ચ ગ્રાંટ રૂપે સરકાર દ્વારા ચુકવવામાં આવે.

આપણે માનીએ છીએ કે શાળા-કોલેજોને નિભાવ માટે અમુક મીનીમમ ખર્ચની આવશ્યકતા હોય છે તો એ નિભાવ ખર્ચ પૂરો પાડવો એ સરકારની જવાબદારી છે કારણ કે ખાનગી શાળા-કોલેજ મંજુરીથી માંડીને બીજી તમામ રીતે સરકારી આદેશો અને ધારા-ધોરણો પ્રમાણે જ ચાલે છે એટલે શાળા-સંચાલકો પણ અત્યંત આર્થિક તકલીફમાં ન મુકાઈ જાય એ જોવાની જવાબદારી પણ સરકારશ્રીની જ છે.

3. માનવતાના ધોરણે તમામ ખાનગી શાળા-કોલેજો આ વર્ષનો નફો જતો કરે અને તમામ કર્મચારીઓને સંપૂર્ણ વેતન પણ આપે એવો આદેશ સરકાર દ્વારા કરવામાં આવે.

આજે જ્યારે તમામ લોકોનાં તમામ પ્રકારનાં ધંધા-રોજગાર નુકસાનીમાં છે તેમજ આગામી વર્ષમાં આવકની આશા છોડી માત્ર ટકી રહેવા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે ખાનગી શાળાઓએ પણ આ એક વર્ષ માટે માનવતાના ધોરણે પોતાનો નફો છોડી દેવો જોઈએ. આમ પણ શાળા ચેરીટેબલ ટ્રસ્ટને આધીન જ ચાલતી હોય છે, જેમાં ટ્રસ્ટ 0% નફાએ તેમજ સેવાના ધોરણે શૈક્ષણિક કાર્ય આપવા માટે બંધાયેલું હોય છે. વળી, આવતાં બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારના ફી વધારા પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ નહીતર આ વર્ષની ફી માફીનું વળતર શાળા સંચાલકો આવતાં વર્ષે ફી વધારીને વસુલ કરી લેશે.ખાનગી શાળા-કોલેજના તમામ શૈક્ષણીક તેમજ બિન-શૈક્ષણીક કર્મચારીઓને પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે પુરતો પગાર આપવામાં આવે. વાલીઓ, શિક્ષકો અને સંચાલકો એ ત્રણેય વર્ગ ગુજરાતના નાગરિકોનો જ છે એટલે એ ત્રણેયના હિતોની રક્ષા કરવી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે સરકારની જવાબદારી છે.

આ ઉપરાંત, આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે તેનું દેવું લગભગ દોઢ ગણું વધારીને ઘણા બધા પૈસા બહારથી મેળવ્યા છે, ગુજરાત સરકારે પણ ભારત સરકારના આ સંસ્કારનું અનુસરણ કર્યું છે, પેટ્રોલ-ડીઝલ તેમજ અન્ય કરવેરાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો અધધ રૂપિયા કમાઈ રહી છે. આ આવકની સામે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની ફીનો ખર્ચ તો કીડીના પગ સમાન પણ નથી એટલે એ માફ કરવી એ તો આપશ્રી માટે અત્યંત સરળ વાત છે. આપશ્રીએ તો તાજેતરમાં જ ૧૯૦ કરોડના જંગી ખર્ચે એક ભવ્ય વિમાન પોતાના માટે ખરીદ્યું છે તો શું ગુજરાતનું ભવિષ્ય એવા આ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તમે આટલું નહિ કરો ? શિક્ષણ એ દરેક નાગરિકનો મૂળભૂત અને માનવીય અધિકાર છે એટલે ગુજરાત સરકારે શિક્ષણની આજ દિવસ સુધી કરેલા ઘોર અવગણના રૂપી પાપોના પ્રાયશ્ચિત રૂપે આટલી રાહત વાલીઓને આપવામાં આવે.

વધુમાં, આપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં તમામ ચેનલો અને સમાચારપત્રોમાં આવેલા ડીપ્રેશનના પ્રોગ્રામો અને આર્ટીકલો સૌએ જોયા-વાંચ્યા જ હશે. અત્યારે સમગ્ર દેશના લોકો ખરેખર ભયંકર માનસિક તાણમાંથી પસાર થઇ રહ્યા છે એટલે આવનારા સમયમાં આર્થિક તંગીને કારણે જો કોઈ પણ નાગરિક આત્મહત્યા કરશે કે પોતાના બાળકને શાળામાંથી ઉઠાવીને કામ પર લગાવી દેશે તો એના માટે સંવેદનશીલ ગુજરાત સરકાર અને ભારત સરકાર સંપૂર્ણપણે જવાબદાર રહેશે. આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી, ગુજરાત આવનારા સમયમાં ગાંધી-ચિંધ્યા માર્ગે જનઆંદોલનનો રસ્તો અપનાવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/