મોરબીમાં ફાયરની નોટીસ બાદ એનઓસી વગર બાહેંધરી પત્ર આધારે કલાસીસ-પ્રીસ્કુલ કાર્યરત!

0
188
/

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ટ્યુશન ક્લાસીસ તેમજ પ્રીસ્કૂલને મોરબી નગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલા ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ દેવામાં આવી હતી અને જ્યાં સુધી ફાયર વિભાગની એન.ઓ.સી.ના મળે ત્યાં સુધી તેઓની સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી જોકે હાલમાં તમામ સંસ્થાઓના સંચાલકો દ્વારા ફાયર સેફટીના તેમની જરૂરીયાત મુજબના સાધનો વસાવી લેવામાં આવ્યા છે અને ફાયરની એનઓસી મળતા હજુ વાર લાગે તેમ હોવાથી તમામ સંસ્થાના સંચાલકો દ્વારા બાહેંધરી પત્ર સાથે અરજી કરીને તેઓની સંસ્થાઓને કાર્યરત કરી દેવામાં આવી છે

સુરતના સરથાણા વિસ્તારના તક્ષશીલા આર્કેડમાં આવેલા એક ક્લાસીસમાં લાગેલી આગમાં કુલ મળીને બાવીસ જેટલા વિદ્યાર્થીઓના મોત નીપજયા હતા જેથી કરીને સમગ્ર ગુજરાતમા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ક્લાસીસ સહિતની સંસ્થાઓને ફાયર સેફ્ટીના મુદ્દે નોટિસ દેવામાં આવી રહી હતી અને જ્યાં સુધી ફાયરના એન.ઓ.સી ન મળે ત્યાં સુધી સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના દેવામાં આવી હતી આવી જ રીતે મોરબી નગરપાલિકા દ્વારા પણ શહેરના શનાળા રોડ રવાપર રોડ સહિતના વિસ્તારોમાં આવેલા ક્લાસીસ, પ્રીસ્કુલ, હોસ્પિટલ સહિતની મિલકતોને ફાયર સેફટીની સુવિધા ન હોવાના કારણે નોટિસો દેવામાં આવી હતી જો કે, કલાસીસ સિવાયની તમામ સંસ્થાઓ ચાલુ જ હતી માટે હવે કલાસીસ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે

મોરબીમાં ક્લાસીસ સંચાલકો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મળીને વચગાળાનો રસ્તો કાઢવા માટે ફાયર સેફ્ટીના નિયમો અને શરતોની માહિતી આપવા માટે થોડા દિવસો પહેલા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ચીફ ઓફિસર તેમજ ફાયર ઓફિસર દ્વારા ક્લાસીસ તેમજ પ્રીસ્કુલના સંચાલકોને જરૂરી માર્ગદર્શન અને માહિતી પુરી પાડવામાં આવી હતી ત્યારે ચીફ ઓફિસરે કહ્યું હતું કે જે લોકોના બાંધકામ ઓથોરાઇઝ હોય અને ફાયર સેફટીની સુવિધાઓ તેમના ક્લાસીસ સહિતના બાંધકામોમાં હોય તેઓ મોરબી નગરપાલિકા ખાતે તેઓની ફાયરસેફ્ટીની એન.ઓ.સી. લેવા માટેની અરજી કરી શકશે જેથી મોરબીના જુદા-જુદા ક્લાસીસના સંચાલકો દ્વારા હાલમાં પાલિકામાં ફાયરની એન.ઓ.સી.લેવા માટે અને તેઓના ક્લાસીસ શરૂ કરવા માટે અરજીઓ આપવાનું શરૂ કરવામાં આવેલ છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ક્લાસીસોમાંથી અંદાજે ૪૦ જેટલા ક્લાસીસના સંચાલકો દ્વારા અત્યાર સુધીમાં પાલિકામાં બાહેંધરી પત્ર સાથે અરજી કરેલા છે જેમાં તેઓએ લખ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા ફાયરનું માર્ગદર્શન આપવા માટે જે શિબિરનું આયોજન કરવામાં આવ્યો હતો તેમાં જે રીતની માહિતી ક્લાસીસના સંચાલકોને તેઓના ક્લાસીસમાં ફાયરની સુવિધાઓને ઉપલબ્ધ કરવા માટે આપવામાં આવી હતી તે પૈકીની સુવિધાઓ મોટાભાગના ક્લાસીસના સંચાલકો દ્વારા પોતાના ક્લાસીસમાં કરવામાં આવી છે અને હવે પછી જ્યાં સુધી ફાયરસેફ્ટીની એનોસી ન મળે ત્યાં સુધીમાં જો કોઈપણ જાતની દુર્ઘટના તેઓના ક્લાસીસમાં બને તો તેના માટે તેઓ જવાબદાર રહેશે તેવું બાહેંધરી પત્રમાં ક્લાસીસના સંચાલકોએ પાલિકાને લખીને આપેલ છે અને જે સંચાલકો દ્વારા બાહેંધરી પત્ર સાથેની અરજી પાલિકામાં આપી દેવામાં આવી છે તેઓએ પોતાના કલાસીસને હાલમાં કાર્યરત પણ કરી દીધેલ છે

શહેરના ૯૦ ટકા બાંધકામો ઓથોરાઇઝ નથી તેનું શું ?

મોરબીમાં કલાસીસ વાળા સહિતના આસામીઓને ફાયર સેફ્ટીની એનઓસી લેવા માટે નોટીસો આપવામાં આવી છે જોકે એનઓસી કેવી રીતે મળશે તે અંગેની હજુ સુધીમાં કોઈ સ્પસ્ટતા કરવામાં આવી નથી અને બીજી બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે બાંધકામ ઓથોરાઇઝ હશે તેને જ ફાયરની એનઓસી આપવામાં આવશે બાકી સરકારમાંથી બીજી કોઇ સુચના ન આવે ત્યાં સુધી અનઓથોરાઇઝ બિલ્ડીંગ હોય તેમાં ફાયરની એનઓસી આપવામાં આવશે જેથી અહી પ્રશ્નએ ઉભો થાય છે કે, મોરબી શહેરના જુદાજુદા વિસ્તારોમાં છેલ્લા વર્ષોમાં જેટલા પણ બહુમાળી બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે તેમાંથી ૯૦ ટકા બાંધકામો અનઓથોરાઇઝ છે અને જે લોકો પોતાના બાંધકામોને ઓથોરાઇઝ કહી રહ્યા છે તેમને પણ પ્લાન મુજબ સ્થળ ઉપર બાંધકામ કર્યું નથી જેથી તેવા બાંધકામોને પણ અનઓથોરાઇઝ જ ક્કાહી શકાય તેમ છે જેથી આવા તમામ અનઓથોરાઇઝ બાંધકામોનું શું થશે અને આ બાંધકામોને ફાયર સેફ્ટીની એનઓસી કેવી રીતે મળશે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/